ધોળકા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિન-પ્રતિદિન ભયજનક સપાટીએ પહોંચી રહ્યો છે. ગત સોમવારે સાંજે કલિકુંડ વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય નિવૃત્ત કર્મચારી મહેશકુમાર જોષી પર બે હિંસક શ્વાનોએ અચાનક હુમલો કર્યો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા વૃદ્ધને શ્વાનોએ પગના ભાગે ગંભીર બચકાં ભરી લોહીલુહાણ કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

હુમલા દરમિયાન વૃદ્ધની બૂમાબૂમ સાંભળી નજીકના વેપારી મુકેશભાઈ વૈષ્ણવ મદદે દોડી આવ્યા હતા. તેમણે સમયસૂચકતા વાપરી લોહીલુહાણ હાલતમાં વૃદ્ધને રિક્ષા મારફતે તાત્કાલિક ધોળકા સરકારી હોસ્પિટલ પહોંચાડયા હતા. પ્રાથમિક સારવાર બાદ ઈજાની ગંભીરતા જોતા તબીબોએ તેમને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવાની ફરજ પડી હતી.ધોળકાના અલકા રોડ અને શિમલા ગેસ્ટ હાઉસ જેવા જાહેર માર્ગો પર શ્વાનોના આતંકથી હવે રાહદારીઓ અને વાહનચાલકોમાં ફફડાટ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે પાલિકા તંત્રને અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા રખડતા પશુઓ કે શ્વાનોના નિયંત્રણ માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

