SURENDRANAGAR : ગોપાલગઢમાં ખનિજ ચોરી કરતા વાહનો રાજકીય દબાણ હેઠળ મુક્ત થયાની ચર્ચા

0
25
meetarticle

 ધ્રાંગધ્રા તાલુકામાં ખનિજ માફિયાઓ અને રાજકીય નેતાઓની મિલીભગત ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ગોપાલગઢ ગામે તાજેતરમાં પકડાયેલા લાખોના મુદ્દામાલને ગણતરીના દિવસોમાં જ છોડી દેવામાં આવતા તંત્રની કામગીરી અને રાજકીય વગ સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા પાછળ મોટા ગજાના નેતાઓનો હાથ છે.

ગત ૨જી ફેબુ્રઆરીના રોજ ધ્રાંગધ્રાના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય અને તેમની ટીમ દ્વારા ગોપાલગઢ ગામે ચાલી રહેલા ગેરકાયદેસર પથ્થર અને માટીના ખનન પર ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન એક હિટાચી મશીન અને ત્રણ ડમ્પરો સહિત અંદાજે રૃ.૬૦ લાખનો મુદ્દામાલ સ્થળ પર જ સીઝ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારીએ આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી દંડની પ્રક્રિયા માટે સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનિજ વિભાગને રિપોર્ટ સોંપ્યો હતો. સામાન્ય કિસ્સાઓમાં દંડ ભરપાઈ કરી વાહન છોડાવવામાં મહિના જેટલો સમય લાગે છે, પરંતુ અહીં ગણતરીના દિવસોમાં જ વાહનો મુક્ત કરી દેવાયા છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ખનિજ ચોરીમાં સંડોવાયેલા વાહનોને છોડાવવા માટે સ્થાનિક રાજકીય નેતાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આ માટે ગાંધીનગરથી પણ દબાણ કરાવવામાં આવ્યું હતું. આ દબાણને વશ થઈને તંત્રએ ઉતાવળે વાહનો છોડી મૂક્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રાજકીય નેતાઓના ફોન રણકતા જ સીઝ કરાયેલા મશીનો ફરી કાર્યરત થઈ જતા તંત્રની રહેમનજર અને કાયદાના અમલીકરણ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here