સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ રોડ પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટ મારીને ખાડામાં ખાબકી હતી. સુરેન્દ્રનગરનો પરિવાર પ્રિ-વેડિંગ શૂટ માટે જતો હતો ત્યારે બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગરમાં રહેતો એક વેપારી પરિવારના ઘરમાં શુભપ્રસંગ હોવાથી પ્રિવેન્ડિંગ શૂટ માટે કાર લઈ ધોળીધજા ડેમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ડેમ રોડ પર મેલડી માતાના મંદિર પાસે વળાંક અને સવારે ગાઢ ધુમ્મસના કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલટી મારી રોડની સાઈડમાં ખાબકી હતી.
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો જ્યારે કાર ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે લોકોના ટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને કાર ચાલકને હોસ્પિટલ ખાતે પહોંચાડવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ધોળીધજા ડેમ રોડ પર આવેલ આ વળાંક જોખમી હોવાથી અવાર નવાર અહીં અકસ્માતના બનાવો બને છે. જવાબદાર તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

