સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં બે અકસ્માતના બનાવમાં ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા દુર્ઘટના ટળી હતી.

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી કનૈયા ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મગફળી ભરેલ એક ટ્રકમાંથી અકસ્માતને કારણે મગફળી રસ્તા પર ઢોળાઇ જતા નુકશાન પહોંચ્યું હતું જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૃ કરાવ્યો હતો.
ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર મોડી રાત્રે સોલડી ગામ પાસે બે ટ્રેલર સામ સામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ટ્રાફિક જામને પૂર્વવત કર્યો હતો. સદનસીબે બંને અકસ્માતમાં કોઈ જાનહાનિનો બનાવ નહી બનતા દુર્ઘટના ટળી હતી.

