સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ચાલતા મોટા પાયે ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો) ખનન પર ચોટીલા પ્રાંત અધિકારી (નાયબ કલેક્ટર) દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સરકારી સર્વે નંબર ૯૩૧ વાળી જમીનમાં ધમધમતા સાત જેટલા ગેરકાયદેસર કુવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે.

ચોટીલા પ્રાંત અધિકારી જ્યારે ઉમરડા સીમ વિસ્તારમાં ચેકિંગમાં હતા, ત્યારે તેમની નજર નજીકના ચોરવીરા ગામની સીમમાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિ પર પડી હતી. તપાસ કરતા આ વિસ્તાર સાયલા તાલુકાનો હોવાનું ખુલ્યું હતું. ભૂમાફિયાઓએ સરકારી અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચતા રોકવા માટે રસ્તામાં કાર્બોેસેલના ડમ્પર ખાલી કરી રસ્તો બ્લોક કરી દીધો હતો. જોકે, અધિકારીઓએ સ્થળ પર પહોંચી કામ કરી રહેલા ૩૦ જેટલા મજૂરોનું રેસ્ક્યુ કર્યું હતું અને તેમના નિવેદનો નોંધ્યા હતા.આ દરોડામાં ત્રણ ટ્રેક્ટર, ચાર જનરેટર મશીન, આઠ ચરખી, આઠ બેકેટ, ચાર બાઈક અને (૬)૧૦૦મે.ટન કોલસો મળી કુલ રૃ. ૨૫,૧૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે ખસેડાયો છે. ઘટનાસ્થળે એક્સપ્લોઝિવ (સ્ફોટક પદાર્થો) પણ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે.
ચોટીલા પ્રાંતે પોતાના વિસ્તાર બહાર સાયલા પંથકમાં સપાટો બોલાવ્યો
પ્રાંત અધિકારીએ સાયલા મામલતદારને બોલાવી, આ ગેરકાયદે ખોદકામ કોના દ્વારા કરાવવામાં આવતું હતું તેની તપાસ કરવા અને કસૂરવારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા કડક સૂચના આપી છે. ચોટીલા પ્રાંત અધિકારીએ પોતાના વિસ્તાર બહાર કાર્યવાહી કરી ગેરકાયદે ખનન ઝડપી પાડતા સ્થાનિક તંત્રની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યાં છે.

