થાન શહેરમાં વાસુકી મંદિર પાસે આવેલા તળાવમાં અચાનક બે ગાય પડી જતાં ચકચાર મચી જવા પામી હતી. જે બનાવની જાણ થતા જીવદયા ગુ્રપના સભ્યોએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ બન્ને ગાયોને તળાવની બહાર કાઢી જીવ બચાવ્યો હતો.

વાસુકી મંદિર પાસે તળાવમાં અકસ્માતે બે ગાય પડી ગઇ હતી. જેની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર ઉમટી પડયા હતા અને આ અંગે જીવદયા ગુ્રપના સભ્યોને જાણ કરી હતી. આથી જીવદયા ગુ્રપની ટીમ તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી હતી અને અંદાજે બે કલાકથી વધુ જહેમત બાદ દોરડા અને ક્રેનની મદદથી બંને ગાયોને તળાવમાંથી સલામત રીતે બહાર કાઢી જીવ બચાવ્યો હતો. જ્યારે આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોના જણાવ્યા મુજબ અવારનવાર પશુઓ તળાવમાં પડી જવાના બનાવો બની રહ્યા છે થોડા દિવસો પહેલા એક બાઈક ચાલક પણ અહીં બાઈક સાથે તળાવમાં ખાબકતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી વારંવાર બનતા અકસ્માતના બનાવો અટકાવવા તળાવની આસપાસ ફેન્સીંગ લગાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

