થાનના ભડુલામાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદાર સહિતની ટીમ અગિયાર દિવસ પહેલા ત્રણ શખ્સોએ હુમલો કરી વાહનોને નુકસાન પહોંચાડતા થાન પોલીસ મથકે ત્રણ ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી બે શખ્સોને પોલીસે ઝડપી પાડી સરઘસ કાઢ્યું હતું.

થાન નાયબ મામલતદાર સ્ટાફના માણસો ગત ૧૫ ડિસેમ્બરે તાલુકાના ભડુલા વિસ્તારમાં ખનીજ ચોરી રોકવા ચેકિંગમાં ગયા હતા. ત્યારે ૬ જેટલા ભૂમાફિયાઓએ નાયબ મામલતદાર, ડ્રાઈવર અને ઓપરેટરને ગાળો આપી બેથી ત્રણ લાફા ઝીંકી સરકારી કારને નુકસાન પહોંચાડયું હતું. જેને લઇ નાયબ મામલતદારે થાન પોલીસ મથકે હુમલો અને ફરજમાં રૂકાવટ અંગે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિભાઈ ઉગાભાઈ પરમાર (તમામ રહે. થાન) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદનેે ધ્યાને લઈને પોલીસે તપાસ હાથ ધરી નાયબ મામલતદાર સહિતની ટીમ પર હુમલો કરનાર શખ્શો પૈકી જયપાલ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમારને ઝડપી પાડયા હતા અને બંને શખ્સોનું થાન બજાર વિસ્તાર સહિતના રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક શખ્સ ભરતભાઈ રમેશભાઈ અલગોતરને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

