શહેરમાં મ્યુનિસિપલ હાઈસ્કૂલ પાસેનો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર અડધા ફૂટ જેટલા ઊંડા ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે મુસાફરી કરવી જોખમી બની છે.

આ રસ્તો થાનથી ધોળેશ્વર ફાટક બાયપાસ તરફ જતો હોવાથી દરરોજ હજારો વિદ્યાર્તીઓ અને મુસાફરો અહીંથી પસાર થાય છે. ઊંડા ખાડાઓને કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિકોનો આરોપ છે કે તંત્રની આ નિષ્ક્રિયતા કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે.
રહીશોમાં રોષ છે કે પાલિકા ટેક્સ ઉઘરાવે છે પરંતુ રસ્તાના સમારકામમાં કોઈ રસ દાખવતી નથી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે રસ્તાનું રિપેરિંગ કરવામાં નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

