થાન શહેરમાં ગત નવેમ્બર મહિનામાં પોલીસ ચેકિંગ દરમિયાન ચારથી પાંચ લોકોને અડફેટે લઈ નાસી છૂટનાર હિટ એન્ડ રનના બે આરોપીઓને પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે બંને શખ્સોને ધોળા દિવસે ભરબજારમાં દોરડાથી બાંધીને ફેરવ્યા હતા અને જે સ્થળે અકસ્માત સર્જાયો હતો ત્યાં લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવ્યું હતું. પોલીસની આ કડક કાર્યવાહી જોઈને બજારમાં લોકોના ટોળા ઉમટયા હતા.

ઘટનાની વિગત મુજબ, ગત ૩ નવેમ્બરના રોજ થાનના આઝાદ ચોક વિસ્તારમાં મહિલા પી.આઈ. અને સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન વાસુકી મંદિર પાસે એક શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરાતા, કાર ચાલકે પોલીસથી બચવા પૂરઝડપે કાર દોડાવી હતી. આ પ્રક્રિયામાં રસ્તા પર ઉભેલા ૪થી ૫ નિર્દોષ નાગરિકોને અડફેટે લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટનામાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના પગલે પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી હતી.
થાન પોલીસે બાતમીના આધારે મુખ્ય આરોપી અને કાર ચાલક વિજય ભરતભાઈ ખાચર (રહે. મોટા માત્રા) તથા તેની સાથે કારમાં સવાર કિશોર પ્રતાપભાઈ ખાચર (રહે. તુરખા, તા. બોટાદ)ને ખારાની ફાટક પાસેથી દબોચી લીધા હતા. પોલીસ તપાસમાં મુખ્ય આરોપી વિજય ખાચર અગાઉ પણ મારામારી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. પોલીસે બંનેની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

