સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મહિલા કોંગ્રેસે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના પોલીસ સામેના આકરા પ્રહારોને યોગ્ય ઠેરવીને સમર્થન આપ્યું હતું.

રજૂઆતમાં જણાવાયું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ દેશી-ઇંગ્લિશ દારૃ અને ડ્રગ્સ સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ વધી રહી છે, જેને રોકવામાં પોલીસ તંત્ર નિષ્ફળ રહ્યું છે. તેમણે ભ્રષ્ટાચાર કરી બુટલેગરોને છાવરતા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પટ્ટા ઉતારી દેવાની વાતને યોગ્ય ઠેરવી હતી અને આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવાની માંગ કરી હતી.
આશ્ચર્યની વાત એ છે કે, રજૂઆત કરવા આવેલા હોદ્દેદારોને કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કચરાના ઢગલામાંથી જ ઇંગ્લિશ દારૃની ખાલી બોટલ અને દેશી દારૃની કોથળીઓ મળી આવી હતી. જેનાથી રાજ્યની દારૃબંધીના લીરેલીરા ઉડયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા અને અનેક ચર્ચાઓએ જોર પકડયું છે.

