ચોટીલા-જસદણ હાઈવે પર ચેકિંગ દરમિયાન ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમે દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડયું હતું. તંત્રની ટીમે રેતી, ડમ્પર સહિત રૂ.૫૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પરથી ભૂમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું વહન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. જેને ધ્યાને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એચ.ટી.મકવાણાએ ચોટીલા-જસદણ નેશનલ હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન
ચોટીલાના દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર પસાર થતાં તેને ઝડપી લીધું હતું. તંત્રની ટીમે રેતી તેમજ ડમ્પર સહિત કુલ રૂ.૫૦,૦૦,૦૦૦નો મુદામાલ કબજે કર્યો હતો અને તમામ મુદામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે સીઝ કરવામાં આવ્યો હતો. તેમજ ઝડપાયેલ ડમ્પરના માલિક દુમાદીયા રાજુભાઇ સોમાભાઈ (રહે.નવી મોરવાડ, તા.ચુડા) સામે કાર્યવાહી હાથ ધરી છે.

