ધંધુકા શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા આરડી પેટ્રોલ પંપ પાસે શહેરના રહેવાસી રફિકભાઈ કાળુભાઈ મસ્તાન (ઉં.વ. ૪૮) રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક હાઇડ્રા (ક્રેન) ચાલકે તેમને અડફેટે લીધા હતા.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે રફિકભાઈ ક્રેનના તોતિંગ ટાયર નીચે ચગદાઈ ગયા હતા. અકસ્માતને જોતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા તબીબોએ રફિકભાઈને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતાં જ ધંધુકા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એકાએક બનેલી આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યું હતું. વ્યસ્ત માર્ગ પર સર્જાયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર ધંધુકા શહેરમાં ગમગીની છવાઈ ગઈ છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

