સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના ગામોને પાણી પુરું પાડતો ધોળીધજા ડેમ ભર શિયાળે ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો હતો.

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં રહેતી અંદાજે ૦૪ લાખથી વધુ જનતાને ધોળીધજા ડેમ મારફતે પાણી પૂરું પાડવામાં આવે છે તેમજ આસપાસના ગામોને પણ આ ડેમ મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ધોળીધજા ડેમને રીઝર્વ રાખવામાં આવ્યો છે અને નર્મદા કેનાલ દ્વારા બારે મહિના ડેમમાં પાણી ભરેલું રહે છે જે પાણીને નર્મદા કેનાલ મારફતે બોટાદ, અમરેલી, રાજકોટ અને કરછ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે.ભરશિયાળે ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણી ભોગાવો નદીમાં વહી જતાં પાણીનો વેડફાટ થયો હતો. એક તરફ છેવાડાના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જ્યારે બીજી તરફ ડેમ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી સામે હતી અને આ અંગે લોકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. જ્યારે પ્રાથમિક તપાસમાં નર્મદા કેનાલ દ્વારા પાણીની આવક સામે જાવકમાં ઘટાડો થતાં ધોળીધજા ડેમ ઓવરફ્લો થયો હોવાનું પણ અનુમાન સેવાઈ રહ્યું છે.

