ધ્રાંગધ્રા શહેરના એકમાત્ર મયુર બાગમાં અસમાજીક તત્વોએ ફરી બાંકડાઓમાં તોડફોડ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. બાગમાં દારૃની બોટલો મળતા મહેફિલ માણતા હોવાની ચર્ચા ઉઠી છે. આ અંગે પોલીસ સહિત જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

ધ્રાંગધ્રા શહેરની મધ્યમાં આવેલ મયુર બાગમાં લોકો તેમજ બાળકો હરવા ફરવા આવે છે તેમજ સિનિયર સિટીઝનો પણ અહીં બાકડા પર બેસી સમય પસાર કરે છે. ત્યારે અસમાજીક તત્વો દ્વારા મયુર બાગ ખાતે અંદાજે ૧૦ થી વધુ બાંકડાઓ કોઈપણ કારણ વગર તોડી નાખી નુકસાન પહોંચાડયુ હતું. તેમજ બાગમાંથી દારૃની ખાલી બોટલો પણ મળી આવી હતી. આથી અસામાજીક તત્વો બાગમાં દારૃની મહેફિલ માણતા હોવા સહિત અનેક અસામાજીક પ્રવૃતિઓ પણ થતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ શહેરના જાગૃત નાગરિક તેમજ સીનીયર સીટીઝનો દ્વારા આ અંગે તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી છતાય કોઈ નકકર કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા બાગમાં પેટ્રોલિંગ વધારી અસામાજીક તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

