ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ નજીક આવેલ નાગાબાવાની વાવ તરીકે ઓળખાતા આશ્રમની પાછળ આવેલા અવાવરૂ વિસ્તારમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોને યુવકના મૃતદેહ નજરે પડતાં તાત્કાલિક ધ્રાંગધ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ પીઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં મૃતદેહ અંદાજે ૩૦ વર્ષીય યુવકનો હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યો હતો તેમજ શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા અને બોથડ પદાર્થ વડે માર માર્યાની ગંભીર ઇજાઓ સ્પષ્ટ રીતે નજરે પડી હતી. ઉપરાંત મૃતક યુવકના હાથ બાંધેલા હોવાનું પણ સામે આવ્યું છે. આથી યુવકની હત્યા કરી બાદમાં લાશ પાણીમાં ફેંકી દેવાઈ હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે ધ્રાંગધ્રા પોલીસ મથકના પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ મૃતકની ઓળખ મેળવવાની તેમજ પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિ મૃતદેહ પર ગંભીર ઇજાઓ જોવા મળતાં હત્યા નિપજાવી હોવાનું જણાય છે, જોકે સંપૂર્ણ હકીકત તપાસ બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો પોલીસ દ્વારા અજાણ્યા યુવકની લાશ અંગે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

