ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂના સોદાગરોની ઊંઘ હરામ કરી દીધી છે. અમદાવાદ-કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા નજીક આવેલી એક હોટલના પાર્કિંગમાં LCBએ દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. નવાઈની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં જ પોલીસે આ જ હાઈવે પરથી કુલ રૂપિયા 2 કરોડથી વધુનો દારૂ ઝડપી પાડી પોલીસની સક્રિયતાનો પરચો આપ્યો છે.

ટ્રકમાં ગુપ્ત ચોરખાનું અને પોલીસની ચાલાકી
ચોક્કસ બાતમીના આધારે LCBની ટીમે જ્યારે હાઈવે પરની હોટલના પાર્કિંગમાં ઉભેલી શંકાસ્પદ ટ્રકની તલાશી લીધી, ત્યારે શરૂઆતમાં કંઈ અસામાન્ય જણાયું નહોતું. પરંતુ ઝીણવટભરી તપાસ કરતા જાણવા મળ્યું કે, બુટલેગરોએ પોલીસથી બચવા માટે ટ્રકમાં ખાસ ‘ચોરખાનું’ બનાવ્યું હતું. આ ગુપ્ત ખાનાને ખોલતા જ અંદરથી ઉચ્ચ ગુણવત્તાની વિદેશી દારૂની પેટીઓનો ખડકલો મળી આવ્યો હતો.
કરોડોનો મુદ્દામાલ જપ્ત
આ દરોડા દરમિયાન પોલીસે અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો, હેરાફેરીમાં વપરાયેલી ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 1,07,56,400/- (એક કરોડ સાત લાખથી વધુ) નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક ચાલકની સ્થળ પરથી ધરપકડ કરી લીધી છે.
નેટવર્ક તોડવા પોલીસ એક્શનમાં
માત્ર માલ પકડવા સુધી સીમિત ન રહેતા, સુરેન્દ્રનગર પોલીસે હવે આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા કમર કસી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને કચ્છ કે અન્ય કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં તપાસ તેજ કરી છે. પોલીસે દારૂ મગાવનાર અને મોકલનાર તમામ શખ્સો સામે ગુનો નોંધીને ચક્રો ગતિમાન કર્યા છે.

