રતનપરમાં મનપાએ પાણીની પાઈપલાઈનમાં ભંગાણ કર્યા બાદ કામગીરી અધુરી મુકી દેત રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. લીકેજ સાંધ્યા બાદ ખાડાનું પુરાણ નહીં કરતા પાણી ભરાયાતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે.

સુરેન્દ્રનગર-વઢવાણ મનપા હદમાં આવતા રતનપર વિસ્તારની નીલકંઠ સ્કૂલ પાસે પાણીની લાઈન તૂટયા બાદ તંત્રએ રિપેરિંગ તો કર્યું, પરંતુ કામગીરી અધૂરી છોડી દીધી છે. યોગ્ય પુરાણ ન થવાને કારણે રસ્તા પર મોટા ખાડા પડી ગયા છે અને સતત પાણી ભરાઈ રહે છે.
આ સમસ્યાને કારણે અવધ અને ધર્મનંદન ટાઉનશિપના રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્કૂલ પાસે જ ગંદકી અને ખાડા હોવાથી વિદ્યાર્થીઓ અને સ્કૂલ વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રની વેઠ ઉતારવાની નીતિને કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે. રહીશોએ માંગ કરી છે કે મનપા તંત્ર તાત્કાલિક ધોરણે આ રસ્તાનું વ્યવસ્થિત લેવલિંગ કરે અને ગંદકી દૂર કરી કાયમી ઉકેલ લાવે.

