લીંબડી તાલુકાના ભોયકા ગામના પ્રદીપભાઈ ઉર્ફે પીન્ટુભાઈ ચૌહાણ તથા થોરીયાળી ગામના ભાર્ગવભાઈ પ્રવીણભાઈ મકવાણા બંને મિત્રો એકટીવા લઈને લીંબડીથી અમદાવાદ તરફ મોરૈયા ગામે નોકરી-ધંધા અર્થે જઈ રહ્યા હતાં. તે સમયે પાણશીણાના પાટિયા નજીક પહોંચતા અજાણ્યા વાહન ચાલકે પુરઝડપે આવી એક્ટિવાને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં પ્રદિપભાઈ તથા ભાર્ગવભાઇને ગંભીર ઈજાઓ પહોંચતાં બંને મિત્રોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. જ્યારે અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને નાશી છુટયો હતો. બનાવને લઈને હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતાં. આ બનાવની જાણ પાણશીણા પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી બંને મૃતકોની ડેડબોડીને પીએમ અર્થે લીબડી સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. તેમજ આ બનાવમાં પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ અકસ્માત અંગેનો ગુનો નોંધીને તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ બનાવની જાણ મૃતકોના પરિવારજનોને થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતાં અને પરિવાર જનોમા શોકનું મોજું ફરી વળ્યું હતું.

