ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે ટ્રેક્ટર પરથી આઠ વર્ષીય બાળક નીચે પટકાતા ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના અને કંકાવટી ગામે ખેત મજૂરી કરતા વિદેશભાઈ માલ રવિવારે સવારે પોતાની વાડીમાં ટ્રેક્ટર વડે કામ કરી રહ્યા હતા. તેમની સાથે તેમનો ૮ વર્ષનો પુત્ર, જગદીશ માલ, પણ ટ્રેક્ટરમાં બેઠેલો હતો.
કામ દરમિયાન, ચાલુ ટ્રેક્ટર પરથી જગદીશ અકસ્માતે નીચે પટકાયો હતો. દુર્ભાગ્યવશ, ટ્રેક્ટરનું ટાયર તેના પર ફરી વળ્યું હતું, જેના કારણે બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. વાડીના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, અને ધ્રાંગધ્રા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે મૃતક બાળકના પરિવારજનો અને સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

