સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલા બહુચચત જમીન કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના દરોડા બાદ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાનેથી મળી આવેલા દસ્તાવેજો અને રોકડ રકમ અને વહીવટી તંત્ર દ્વારા ચાલતા વ્યવસ્થિત ભ્રષ્ટાચારના નેટવર્કનો પર્દાફાશ થયો છે. મામલતદારની પુછપરછમાં જમીન બિનખેતી કરવાની પ્રક્રિયા માટે કરોડો રૃપિયાના વ્યવહારો કર્યા હતા. તેમજ જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાઆ કૌભાંડમાં સામેલ હોવાનું સ્વિકાર્યું હતું.

૨૩ ડિસેમ્બરે દિલ્હીથી આવેલી ઇડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીના એનએ શાખાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં પીએમએલએની કલમ ૧૭ હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન ૬૭.૫૦ લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ પીએમએલએની કલમ ૧૭ હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે.
જમીનનો હેતુફેર ઝડપી બનાવવા ઉઘરાણા કરાતા હતા
ઇડીની તપાસ દરમિયાન વઢવાણ સ્થિત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી રૃ. ૬૭.૫૦ લાખની રોકડ અને જમીન સંપાદનને લગતી અનેક ગુપ્ત ફાઈલો મળી આવી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ રકમ જમીન એન.એ. (બિનખેતી) કરવા અથવા હેતુફેરની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે અરજદારો પાસેથી વચેટિયાઓ મારફતે ઉઘરાવવામાં આવી હતી. આ સાથે ચંદ્રસિંહ મોરીએ તે પણ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલાઆ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે.
પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાં
ઇડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે, જેમાં વ્યવસ્થિત રીતે ચાલતા કૌભાંડનો ઘટસ્ફોટ થતાં ઇડીના અધિકારીઓ પણ ચોંકી ઉઠયાં હતા. આ શીટમાં ઓનલાઈન અરજી નંબર, સર્વે નંબર, જમીનની વિગત, ક્યાં પ્રકારની અરજી છે. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ ૨,૬૧,૩૩૨ સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્ક્વેર મીટર દીઠ ૧૦ રૃપિયા લેખે ૨૬,૧૭,૩૨૦ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
શીટમાં નીચે પેનથી કોના કેટલા રૃપિયા તેનો ઉલ્લેખ
આ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૃપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી છે, જેમાં એમડીના ૬૪ લાખ, સીબીના ૬૦ હજાર, અશોકના ૨.૮૩ લાખ, એચપીના ૬ લાખ, રાકેશભાઈ ૫૦૦૦, આશિષભાઈના ૭૦ હજાર એવી નોંધ કરવામાં આવેલી છે.
હજુ મોટા માથાની સંડોવણી બહાર આવવાની શક્યતા
આ કૌભાંડમાં નાયબ મામલતદાર પાસે જમીન એન.એ. કરવાનો પાવર હોવાથી તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો. હાલમાં સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર, નાયબ મામલતદાર, ક્લાર્ક અને કલેક્ટરના પીએ સામે અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે. ઇડી અને એસીબીની સંયુક્ત તપાસમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

