અમદાવાદ-રાજકોટને જોડતા વ્યસ્ત બગોદરા હાઇવે પરના ભોગાવો નદી પરના નવા સિક્સ-લેન બ્રિજ પર સિમેન્ટના સ્લોપમાં ગાબડાં અને તિરાડો પડતા નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે. મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તાત્કાલિક સમારકામની હાથ ધરવા વાહન ચાલકોની માંગ ઉઠી છે.

બગોદરા નજીક ભોગાવો બ્રિજનું કામ પૂર્ણ થયાના ટૂંકાગાળામાં જ તેના સિમેન્ટના સ્લોપમાં મોટા ગાબડાં અને ભયજનક તિરાડો પડી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ સ્થિતિ જોતા બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાની અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં પ્રવર્તી રહી છે.બ્રિજના બંને છેડા પર ગાબડાં પડવાને કારણે સતત ૨૪ કલાક ધમધમતા આ હાઇવે પર વાહનોની ગતિ ધીમી પડવાથી રોજ ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે, જેનાથી સુરક્ષાનો ગંભીર ભંગ થઈ રહ્યો છે. આટલી જોખમી સ્થિતિ હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેનાથી લોકોમાં રોષ છે. જો આ ગાબડાં અને તિરાડોને તાત્કાલિક રીપેર કરવામાં નહીં આવે, તો ગમે ત્યારે મોટી અને જીવલેણ દુર્ઘટના સર્જાવાની પૂરી સંભાવના છે. લોકોએ આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની અને બ્રિજનું તાત્કાલિક સમારકામ કરાવવાની માંગ કરી છે.

