બાવળાની નવજીવન પાર્ક સોસાયટીના ગટર કનેક્શનને નગરપાલિકા દ્વારા સીલ મારી દેવાતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકાની આ કાર્યવાહીના પગલે સોસાયટીનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોમાં જાહેર આરોગ્ય અને રોગચાળાની દહેશત પણ સેવાઈ રહી છે.

બાવળા નગરપાલિકાના સત્તાધીશોના મતે, નવજીવન પાર્ક સોસાયટી દ્વારા નિયમોનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે ગટરનું કનેક્શન લેવામાં આવ્યું હતું અને સોસાયટીનું ગંદુ પાણી સીધું જાહેરમાં કાઢવામાં આવતું હતું. નગરપાલિકાના મહિલા પ્રમુખ પ્રજ્ઞાાબેન પટેલે જણાવ્યું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સોસાયટીના સત્તાધીશોએ ગંદુ પાણી બંધ ન કરતાં ધારાધોરણ મુજબ કનેક્શન સીલ કરાયું છે. તેમણે ઉમેર્યું કે ગટર લાઇન સક્સેસ નથી અને ટૂંક સમયમાં જીયુડીસી દ્વારા આ કામ શરૂ થશે.બીજી તરફ, સોસાયટીના ચેરમેન અને સભાસદો નગરપાલિકાના આ પગલાનો સખત વિરોધ કરી રહ્યા છે. સોસાયટીના આગેવાનોનું કહેવું છે કે, તેમણે વીજ કનેક્શન, લાઈટ કનેક્શન અને એનઓસી સહિતની તમામ જરૂરી કાયદેસરની મંજૂરીઓ પહેલેથી જ મેળવેલી છે. આ મંજૂરીઓ હોવા છતાં કનેક્શન સીલ કરાતાં તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર પર ‘સરમુખત્યારશાહી’ વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. સોસાયટીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને સીલ ખોલી હાલાકી દૂર કરવા માટે બાવળા મામલતદારને આવેદનપત્ર પણ સુપરત કર્યું છે.

