માંડલ તાલુકો અને ચુંવાળ પંથકમાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં શક્તિ માતાજીના મંદિરો આવેલા છે અને દર ફાગણ માસમાં તાલુકાના વિઠલાપુર અને ઉઘરોજ સહિતના ગામોમાં લગભગ ૮૦૦ વર્ષ જુની પરંપરાગત માંડવી નીકળે છે અને લોકમેળામાં હૈયેહૈયું દળાય છે.

ત્યારે ફાગણ વદ-૧૩ ના રોજ ઉઘરોજ ગામમાં શક્તિ માતાજીની માંડવી નીકળી હતી. માતાજીના જે રથ હોય છે તેને ફુલોથી સુંદર સજાવવામાં આવતો હોય છે અને પહેલાની રાજાશાહી પરંપરાથી નગરના રાજાધિરાજ શક્તિ માતાજીના રથ ઉપર બેસે છે અને રથની આગળ બળદોને જોડી માતાજીની માંડવી ગામમાં નીકળી હતી. માતાજીના મંદિર શીખર ઉપર માઈભક્તો દ્વારા ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું. માતાજીના ગરબા સહિતના ધામક પ્રસંગોનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે લોકમેળાનું પણ ભવ્ય આયોજન કરાયું હતું અને દર્શનનો લાભ લેવા તાલુકામાંથી અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.

