સુરેન્દ્રનગર એલસીબી પોલીસે મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં નદીના કાંઠે ખરાબાની જમીનમાં દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી પર ઝડપી પાડી હતી. પોલીસે સ્થળ પરથી ૧.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન દારૂ ગાળવાનું કામ ચાલી રહ્યું હતું. એલસીબીએ સ્થળ પરથી ૩૦૦ લીટર દેશી દારૂ (કિં.રૂ.૬૦,૦૦૦), ૩૫૦૦ લીટર આથો (કિં.રૂ.૮૭,૫૦૦), પતરાના બાફણીયા, નળી સહિત ફૂલ રૂ.૧,૪૮,૫૦૦નો મુદામાલ કબજે કર્યોે હતો. રેઇડ દરમિયાન દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર નવલભાઈ રણછોડભાઈ દેકાવાડિયા (રહે.ભવાનીગઢ) હાજર મળી ન આવતા મુળી પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક પોલીસને ગ્રામજનો અને આગેવાનો દ્વારા આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને અંતે એલસીબી પોલીસે રેઇડ કરતા સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયાં છે.

