ધ્રાંગધ્રા તાલુકાના ધુ્રમઠ ગામે ગટરનું તાત્કાલિક રિપેરિંગ થતાં લોકોને રાહત મળી છે. ટીડીઓના આદેશ બાદ ગ્રામ પંચાયતે તાત્કાલિક ગટરનું રિપેરિંગ કામ હાથ ધર્યું છે.

ધુ્રમઠ ગામે છેલ્લા ઘણા સમયથી તૂટેલી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રહેણાંક વિસ્તારમાં ફેલાતા સ્થાનિકો દુર્ગંધ અને હાલાકીથી પરેશાન હતા. અનેક રજૂઆતો છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ મામલે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તંત્ર સફાળું જાગ્યું હતું.
ધ્રાંગધ્રા તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓએ)એ તાત્કાલિક ગ્રામ પંચાયતને ગટરનું રિપેરિંગ કરવા સૂચના આપી હતી. ટીડીઓના આદેશ બાદ ગ્રામ પંચાયતે યુદ્ધના ધોરણે ગટરનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું અને વિસ્તારમાંથી ગંદુ પાણી દૂર કરીને સફાઇ હાથ ધરી હતી. આ તાત્કાલિક કામગીરીથી ગ્રામજનોએ હાલ પૂરતી સમસ્યામાંથી રાહત અનુભવી છે.

