રાણપુરમાં પુરવઠા અધિકારી અને નાયબ મામલતદારની ટીમે બાતમીના આધારે રાણપુર-ધંધુકા રોડ પર આવેલ દેવળીયા-નાગનેશ માર્ગ પર વોચ ગોઠવી એક શંકાસ્પદ રિક્ષાને અટકાવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા અધિકારીઓએ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુરવઠા વિભાગની તપાસમાં રિક્ષામાંથી ૨૨ કિલોગ્રામ ઘઉં અને ૩૯.૫૦૦ કિલોગ્રામ ચોખા સહિત એક વજન કાંટો મળી અંદાજિત કિંમત રૃ.૧૧,૯૮૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેે. આ રેશન સામગ્રી કોઈપણ પરવાનગી વિના રાખવામાં આવી હોવાથી ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ મામલે પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ)માં થતી કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે. હાલમાં જપ્ત કરાયેલ તમામ સામગ્રી સરકાર હસ્તક લઈ વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

