લખતર ગામમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં પૂરતું પાણી ન આવતા મહિલાઓને કપડાં ધોવા અને નહાવા માટે મોતીસર તળાવના ઘાટ પર નિર્ભર રહેવું પડે છે. જોકે, છેલ્લા ૧૫ વર્ષથી તંત્રની ઉદાસીનતાને કારણે આ ઘાટ અત્યંત બિસ્માર હાલતમાં છે, જેનાથી સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તળાવના સ્નાન ઘાટ પર ઉતરવા માટે યોગ્ય પગથિયાં નથી, અને ચારેબાજુ ‘ડીલો’ નામનું બિનઉપયોગી ઘાસ પુષ્કળ પ્રમાણમાં ઊગી નીકળ્યું છે. આ ઘાસમાં ઝેરી જીવજંતુઓ રહેતા હોવાથી મહિલાઓ માટે સુરક્ષાનું જોખમ ઊભું થયું છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર રોડ-ગટરના કામોમાં જ રસ ધરાવે છે અને પાયાની સુવિધાઓની અવગણના કરે છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ચૂંટણી સમયે દેખાતા નેતાઓ જીત્યા પછી મોઢું બતાવતા નથી. વાસમો પાણી સમિતિ અને કોન્ટ્રાક્ટરની નિષ્ફળતાને કારણે મહિલાઓએ મજબૂરીમાં તળાવે આવવું પડે છે. આથી, તંત્ર દ્વારા સત્વરે ઘાટની સફાઈ કરવામાં આવે, બિનજરૃરી ઘાસ દૂર કરવામાં આવે અને પગથિયાંનું સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

