લીંબડીના બાહેલાપરા વિસ્તારમાં જૂના બરફના કારખાના પાસે મુખ્ય લાઈન તૂટતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યોે સર્જાયા છે. સ્થાનિક રહીશો અને રાહદારીઓ એક માસથી આ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

નગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા એક મહિનામાં આ પાઈપલાઈનનું ત્રણથી ચાર વખત સમારકામ કરવામાં આવ્યું છે, તેમ છતાં વારંવાર ભંગાણ સર્જાય છે. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે અને માર્ગો પર કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બન્યું છે.
એક તરફ પાલિકા દ્વારા શહેરીજનોને અઠવાડિયામાં માત્ર એક જ વાર પાણી આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું હોવાથી લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ છે. સ્થાનિકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા કામચલાઉ સમારકામને બદલે નક્કર કામગીરી કરી પાણીનો બગાડ અટકાવવામાં આવે.

