લીંબડીના મોટી કઠેચીમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. એસ.ઓ.જી. પોલીસના દરોડામાં કોલકાતાનો શખ્સ ડિગ્રી વગર જ પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે એલોપેથિક દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ફરિયાદો ઉઠતા એસ.ઓ.જી. પોલીસે લીંબડીના મોટી કઠેચી ગામે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે બાતમીના આધારે એક દવાખાના પર દરોડો પાડી પ્રદીપ વિનોદભાઈ બિસ્વાસ (ઉ.વ.૩૬) નામના શખ્સને ઝડપી લીધો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આ શખ્સ કોઈ પણ માન્ય મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે હોસ્પિટલ ચલાવી દર્દીઓનો ઈલાજ કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ઝડપાયેલો શખ્સ મૂળ કોલકાતાનો હોવાનું જાણવા મળ્યું છે, જે સુરેન્દ્રનગર આવી ગામડાઓમાં પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે સ્થળ પરથી એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ રૃ.૮,૫૪૮નો મુદ્દામાલ કબજે કર્યો છે. એસ.ઓ.જી.પોલીસે બોગસ ડોક્ટર વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

