ધોળકાના વેજલકા ગામ નજીક માર્ગ અકસ્માતમાં બાઇક પર સવાર પરિવારના એક વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો ઘાયલ થયા હતા.

બગોદરા-વટામણ હાઇવે પર શિયાળ ગામથી વેજળકા જઈ રહેલા એક જ પરિવારના પતિ-પત્ની અને ત્રણ બાળકોની બાઇકને પુરપાટ ઝડપે દોડતા હાર્વેસ્ટર (કટર) મશીને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ૧ વર્ષના બાળકનું મોત થયું, જ્યારે પતિ-પત્ની અને અન્ય બે બાળકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરાયા હતા. કોઠ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અકસ્માત સર્જીને ફરાર થયેલા હાઇવેસ્ટર કટરના ચાલકને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.

