થાન તાલુકાના વેલાળા(સા)ની સીમમાંથી થાન મામલતદારે ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપી પાડયું છે. મામલતદારની ટીમે ટ્રેક્ટર, ટ્રક, ૩૦ ટન કાર્બોેસેલ, કમ્પ્રેસર સહિત અંદાજે રૃ.૬૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

થાન તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે કાર્બોેસેલ સહિતની ખનીજ સંપત્તિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદને લઇ થાન મામલતદાર સહિતની ટીમે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વેલાળા(સા) ગામની સીમ તેમજ વીડ વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલના કૂવામાંથી ખનન ઝડપી પાડયું હતું. મામલતદારની ટીમે સ્થળ પરથી ૦૪ ટ્રેક્ટર, ૦૧ ટ્રક, ૧૨ ચરખી, અંદાજે ૩૦ ટન કાર્બોેસેલ, જનરેટર, કમ્પ્રેસર સહિત અંદાજે રૃ.૬૦ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને ગેરકાયદે ખનન કરનાર ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

