ખેડાના માતર તાલુકાના પાલ્લા અને સામે કાંઠે આવેલા ધોળકા તાલુકાના વૌઠા ગામમાં સપ્ત નદીના સંગમ કિનારે દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતા ઐતિહાસિક લોકમેળામાં કમોસમી વરસાદ પડતાં વેપારીઓમાં નરાશા સાપડી છે. ૧લી ઓક્ટોબરથી પ્રારંભ થતા મેળામાં વરસાદના કારણે દૂર-દૂરથી આવતા ખરીદદારો મેળામાં પહોંચી શક્યા નથી. હાલ ગ્રામ પંચાયત દ્વારા વેપારીઓ માટે પ્લોટોની હરાજી શરૃ કરવામાં આવી છે.

વૌઠાનો મેળો સપ્તનદીઓનો સંગમ અને એશિયાનો સૌથી મોટો પશુ મેળો (ગધેડાનો મેળો)ના કારણોસર ગુજરાતના સાંસ્કૃતિક નકશા પર અંકિત થયેલો છે. વૌઠા ખાતે સાત નદીઓનો પવિત્ર સંગમ થાય છે, જેમાં સાબરમતી, હાથમતી, ખારી, વાત્રક, મેશ્વો, માઝુમ અને શેઢી નદીઓનો સમાવેશ થાય છે. આ પવિત્ર સ્થળે કાતકી પૂણમાના દિવસે સ્નાનનું વિશેષ મહત્ત્વ હોય છે. વૌઠાના મેળાની સૌથી મોટી ઓળખ એટલે ગધેડાનો મેળો. આ મેળો પશુઓની ખરીદ-વેચાણ માટે એશિયાભરમાં જાણીતો છે.
આ મેળામાં ખાસ કરીને રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ જેવા દૂર-દૂરના વિસ્તારોમાંથી ગધેડાના માલિકો અને વેપારીઓ મોટી સંખ્યામાં ગધેડા લઈને વેચાણ કરવા માટે ઉમટી પડે છે. અહીં ગધેડાની કિંમત ૧૦,૦૦૦થી લઈને ૫૦,૦૦૦ સુધીની હોય છે. રાજ્યભરમાંથી ગધેડાની ખરીદી કરવા માટે ખરીદનારાઓ પણ આવે છે.
આ વર્ષે મેળાની શરૃઆત પહેલા જ કમોસમી વરસાદ પડતાં ગધેડાના વેપારીઓમાં નિરાશાનો માહોલ છવાયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ, વરસાદના કારણે દૂર-દૂરથી આવતા ખરીદદારો મેળામાં પહોંચી શક્યા નથી. આ પરિસ્થિતિને કારણે ગધેડાનું વેચાણ અટકી ગયું છે અને તેમનો ‘માલ ઢોર એમનો એમ જ પડયો રહે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઘરાકીમાં આવેલી મંદીને કારણે, ઘણા વેપારીઓ તો પોતાના પશુઓ લઈને નિરાશ થઈને પાછા પણ જવા લાગ્યા હોવાના અહેવાલ છે. વરસાદના વિઘ્ન વચ્ચે પણ, વૌઠાના મેળાની પશુ વેપારની પૌરાણિક પરંપરા ચાલુ રહે તે માટે વેપારીઓ અને આયોજકો આશા રાખી રહ્યા છે.

