સરા બાયપાસ રોડ પર ગટરનું ગંદુ પાણી ફરી વળતા ખેડૂતોને હાલાકી વેઠવાની નોબત આવી છે. ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે ૧૦૦થી વધુ ખેડૂતોના વાડીએ જવાના મુખ્ય રસ્તા પર ગંદકીનું સામ્રાજ્યથી રોગચાળો ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે.

મુળી તાલુકાના સરા બાયપાસ રોડ પર દ્વારકાધીશ મંદિર સામેના કનેરાની સીમ વિસ્તારમાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી ફરી વળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તો ૧૦૦થી વધુ ખેડૂતો માટે તેમની વાડીએ જવા માટેનો મુખ્ય માર્ગ છે.આશરે બે વર્ષ પહેલાં સરા ગ્રામ પંચાયત દ્વારા ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતાં આ સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ગંદા પાણીના કારણે તેમને રોજેરોજ અવરજવર કરવામાં અને ખેતીનો સામાન લઈ જવામાં મુશ્કેલી પડે છે. વળી, ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની દહેશત પણ સેવાઈ રહી છે. ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી પાસે ગંદા પાણીના નિકાલ માટે પગલાં લેવાની માંગ કરી છે.

