હળવદ પંથકમાં રવી સિઝન દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે કોયબા ગામના પાટિયા નજીકથી સબસિડીયુક્ત યુરિયા ખાતરનો ૧૮૦૦૦ કિલોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સબસિડીયુક્ત ખાતરના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઘટના સ્થળેથી ઈફકો (ઇફકો) કંપનીની ૪૫ કિલોગ્રામ વજનની સબસિડીયુક્ત યુરિયા ખાતર ભરેલી કુલ ૪૦૦ બેગ (રૂ.૮,૦૦,૪૫૬) જપ્ત કરી છે. પોલીસે ખાતર ઉપરાંત ગેરકાયદે ખાતની હેરાફેરમાં ઉપયોગમાં લેવાયેલું એક આઈસર ટ્રક (કિ.રૂ. ૫,૦૦,૦૦૦) અને એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર (કિ.રૂ. ૨,૦૦,૦૦૦) મળી કુલ રૂ.૧૫,૦૦,૪૬૫નો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ પોલીસે બે આરોપીઓ નાગજીભાઈ રાજાભાઈ ગમારા (ભરવાડ, ઉ.વ.૩૭, ધંધો.ડ્રાઇવર, રહે. નવા મકનસર) અને કરશનભાઈ સેલાભાઈ ડોરાળા (ભરવાડ, ઉ.વ.૨૭ ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.રાણેકપર)ની ધરપકડ કરી છે.સબસિડીવાળી યુરિયા બેગનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની આશંકા ઊભી કરે છે, જેના કારણે ખેડૂતોને ખરા સમયે ધરમધક્કા ખાવા પડે છે. હળવદ પોલીસે આ શંકાસ્પદ યુરિયા ખાતરના જથ્થા અંગે ખેતીવાડી વિસ્તરણ અધિકારીને જાણ કરી છે. હાલમાં આ ખાતર ક્યાંથી આવ્યું, કોનું છે અને કેટલા સમયથી આ ગેરકાયદેસર વેપાર ચાલે છે, તે દિશામાં પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

