હળવદ શહેરના મેઈન રોડ, બજાર, સોસાયટી વિસ્તારો અને હાઇવે માર્ગ ઉપર ગેરકાયદેસરના દબાણો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. પાલિકા તંત્રના મૌનને કારણે દબાણકર્તાઓએ કાચા-પાકા બાંધકામો, લારી-ગલ્લા અને કેબિનો મૂકી દીધા છે.

હાઇવે માર્ગ પર રોડની બંને સાઈડમાં અને દુકાન માલિકોએ પોતાની દુકાન કરતાં પણ વધુ જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરીને લોકોની સમસ્યામાં વધારો કર્યો છે.
ગેરકાયદેસરના દબાણોના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા ઉવી છે, સાથે જ હાઇવે માર્ગો પર અકસ્માત થવાની સંભાવનાઓ પણ પ્રબળ બની છે. આ પરિસ્થિતિના નિરાકરણ માટે શહેરીજનોમાં ઉગ્ર માંગણી ઉઠી છે. હળવદ નગરપાલિકા તંત્ર તાત્કાલિક ધોરણે મેઈન રોડ, શેરીઓ અને હાઇવે પરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરે અને ટ્રાફિકની તેમજ સંભવિત અકસ્માતની સમસ્યાઓનું નિવારણ લાવવા પ્રયત્નશીલ બને.

