સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા દૂધરેજ વિસ્તારના રબારીવાસમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અહીં વસવાટ કરતા અંદાજે ૨૦૦થી વધુ પરિવારો વર્ષોથી ભુગર્ભ ગટર અને આરસીસી રોડ જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે.

ગટરના અભાવે ગંદા પાણીનો નિકાલ ન થતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે ચોમાસામાં અને સામાન્ય દિવસોમાં પણ રોગચાળો ફેલાવાની દહેશત રહેલી છે. સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, બાજુના વિસ્તારોમાં તમામ સુવિધાઓ અપાઈ છે, પરંતુ મનપા તંત્ર દ્વારા તેમની સાથે ભેદભાવ રાખી ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. જો આગામી દિવસોમાં ગટર અને રોડની સુવિધા પૂરી પાડવામાં નહીં આવે, તો સ્થાનિકોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

