સુરેન્દ્રનગર જિલ્લાના ૭૦ હજારથી વધુ ખેડૂતોને ૨૦૨૪ની પાક સહાય નહીં મળતા પાટડી ટીડીઓ કચેરીમાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દસ દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ખેડૂતોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૪ની પાક નિષ્ફળ સહાયથી ૭૦,૦૦૦ જેટલા ખેડૂતો વંચિત રહેતા ખેડૂત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ રેલી યોજવા છતાં સહાય ન મળતા, દસાડા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો પાટડી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ)ને રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોએ દસાડા તાલુકામાં પાક નિષ્ફળ સહાયમાં અન્યાય થયો હોવાનો અને માત્ર લાગતા-વળગતા તથા અમુક ગામોના ખેડૂતોને જ સહાય મળી હોવાના આક્ષેપો કર્યા હતા.રજૂઆત માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા ત્યારે ટીડીઓ કચેરીમાં હાજર ન હોવાથી ખેડૂતોએ કચેરીમાં જ બેસીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી ૧૦ દિવસમાં આ મામલે યોગ્ય નિરાકરણ નહીં આવે તો, તેઓ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરીને ગાંધી ચિંધ્યા મટીડીઓે આંદોલન કરશે. આ ઉપરાંત, ન્યાય માટે હાઇકોર્ટ સુધી લડત આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે. વર્ષ ૨૦૨૫માં પણ ખેડૂતો વંચિત ન રહે તે માટે ખેડૂતો અત્યારથી જ સક્રિય થયા છે.

