માર્ચ મહિનો પૂર્ણ થવાની અણી પર છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા બાકી કરવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મનપાનું કુલ લેણું ૧૨૦ કરોડથી વધુ હોવાથી, ટેક્સ વિભાગની ૨૨ ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે-ઘરે જઈ વસૂલાત કરવામાં આવી રહી છે.

કરદાતાઓ નોટિસ છતાં વેરો ભરવા તૈયાર નથી, તેમની મિલકતો સીલ કરવાની કામગીરી તેજ કરાઈ છે. આ ઝુંબેશ અંતર્ગત એક કરદાતાની સાત મિલકતો પર અંદાજે રૃ. ૨૫.૧૧ લાખનો ટેક્સ બાકી હોવાનું સામે આવ્યું હતું. વારંવારની જાણ છતાં રકમ ભરપાઈ ન કરાતા મનપાની ટીમે આ તમામ મિલકતો સીલ કરી દીધી છે. ટેક્સ વિભાગના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી સંપૂર્ણ લેણું ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ મિલકતો ખોલવામાં આવશે નહીં. આગામી દિવસોમાં અન્ય મોટા બાકીદારો સામે પણ આવી જ જપ્તીની કાર્યવાહી યથાવત રાખવામાં આવશે.

