યાત્રાધામ ચોટીલામાં બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. વહેલી સવારથી જ મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. માતાજીનો ડુંગર રોશનીથી ઝળહળી ઉઠયો હતો.

પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગર ઉપર ચામુડ માતાજીનાં નીજ મંદિર ખાતે હજારો માઈ ભક્તોની ઉપસ્થિતિમાં સવારે શુભ ચોઘડીયે મહંત પરિવાર દ્વારા શાસ્ત્રોેકત રીતે કળશ ઝવેરા ઘટ સ્થાપના સાથે શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ચોટીલા પ્રથમ નોરતાની પરોઢે પ્રથમ આરતી અને ચામુંડા માતાજીના દર્શનનો લાભ લેવા તળેટી બજારમાં હજારોની સંખ્યામાં ભાવિકો પોહચી ગયા હતા તળેટીમાં જાણે મધ્ય રાત્રીનાં સૂરજ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. વહેલી સવારનાં પદયાત્રા સાથે માતાજીનો રથ અને ધજાઓ સાથે ડીજેના તાલે ગરબા ગાતા ચામુંડા ધામ પધાર્યા હતા.ભાવિકો માટે ડુંગર પગથિયાનાં દ્વાર મધરાત્રીના ૩ઃ૩૦ કલાકે ખોલવામાં આવેલા ડુંગર નીજ મંદિર ખાતે પ્રથમ નોરતે પરોઢની આરતી સવારે ચાર કલાકે થયો હતો. આ સમયે પ્રથમ નોરતે માતાજીનાં દર્શન કરી હજારો એ ધન્યતા અનુભવી હતી. જય માતાજીના નાદથી ગર્ભગૃહ અને મંદિર પરિસર ગુંજી ઊઠયું હતું. માઈ ભક્તોએ ઘટ સ્થાપનાનો લ્હાવો લઈ ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
આજથી ચામુંડા માતાજીના અનુાનનો શુભારંભ થયો હતો હજારો માઈ ભક્તો શક્તિની ઉપાસના સાથે આરાધનાનો પ્રારંભ કરેલ છે. નવરાત્રીના નવ દિવસ સુધી ભાવિકોની ભીડ ચોટીલા ખાતે ઉમટશે અને લાખો લોકો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભૂતી અનુભવશે.
વહેલી પરોઢનાં ભાવિકોને કચરાના ગંજ વચ્ચે પસાર થવુ પડેલ હોવાનું નજરે પડતું હતું આવા પવિત્ર દિવસોમાં રાત્રીના જ તળેટી બજારની સફાઇ થાય તે માટે તંત્ર એ આયોજન હાથ ધરવું જોઇએ તેવો સૂર માઈભક્તોમાં ઊઠયો હતો.

