ચુડા તાલુકા છત્રીયાળા ગામ પાસે આવેલ રસ્તા પર વરસાદી પાણીના નિકાલ માટેના બેઠા પુલ પર સળિયા દેખાવા લાગતા તંત્રની હલકી ગુણવતાની કામગીરી સામે આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ચુડા તાલુકાથી અંદાજે ૦૭ કી.મી. ના અંતરે આવેલ છત્રીયાળા ગામ પાસે આવેલ રસ્તા પર ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ બેઠા પુલના સળિયા દેખાવા લાગતા હલકી ગુણવતાની કામગીરી સામે આવી છે. આ પુલ પર થી છત્રીયાળા થી રેલવે સ્ટેશન તેમજ આસપાસના ચાર થી પાંચ ગામોના ગ્રામજનો અને લોકોની અવરજવર રહે છે. તંત્ર દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે બેઠો પુલ બનાવવામા આવ્યો હતો પરંતુ હાલ પુલ બિસ્માર બની જતા તેમજ સળિયા દેખાવા લાગતા રાણપુર, બોટાદ તરફ અવર જવર કરતા વાહન ચાલકોને હાલાકી તો પડી જ રહી છે પરંતુ અકસ્માત થવાનો પણ ડર સતાવી રહ્યો છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરી બેઠા પુલનું રીપેરીંગ કરવામાં આવે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે.

