થાનના તરણેતર ગામમાં માલિકીની જમીનમાંથી ગેરકાયદે ખનન ઝડપાયું છે. તંત્રની ટીમે પાંચ ટન કોલસો સહિત અંદાજે રૂ.આઠ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી જમીન માલિક સામે કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપત્તિનું ખનન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. જેને ધ્યાને લઈને થાન મામલતદાર અને ટીમ દ્વારા થાનના તરણેતર ગામે આવેલ માલિકીની જમીન સર્વે નં.૧૬૩ ખાતે ગેરકાયદેસર ચાલતા કાર્બોેસેલ (કોલસા) ખનન પર રેઇડ કરી હતી.
જેમાં સ્થળ પર થી અંદાજે ૦૫ ટન કોલસો, ૦૧ ટ્રેક્ટર-ટ્રોલી સાથે, ૦૧ ચરખી સેટ (બે નંગ)સહિત કુલ અંદાજે રૂ.૦૮ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ જમીન માલિક જેમાભાઈ રઘુભાઈ ખમાણી સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને કૂવામાંથી ૦૫ લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઝડપાયેલ તમામ મુદ્દામાલને થાન મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે નિયમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

