ધ્રાંગધ્રાના ધુ્રમઠ અને ભરાડા ગામે નદીમાંથી રેતી ચોરીનો કારોબાર વર્ષોેથી ચાલી રહ્યો છે. ગત તા.૦૮ નવેમ્બરના રોજ ખાણ ખનિજ વિભાગે ભરાડા ગામે નદીમાંથી થતી ગેરકાયદે રેતી ચોરીને લઇ દરોડો પાડયો હતો અને એક હિટાચી મશીન સહિત આશરે ૪૦ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તંત્રના દરોડા બાદ ખનન માફિયા ફરી સક્રિયા થઇ ગયા છે. ભૂમાફિયાઓ દ્વારા ફરીથી ખાણ ખનિજ વિભાગે સીલ કરેલ મુદામાલનો ઉપયોગ ફરી નદીમાંથી ગેરકાયદેસર રેતી કાઢવા માટે શરૂ કરી દીધો હોવાનું જણાઈ આવ્યું છે. ખનિજ વિભાગના અને કાયદાનું ઉલ્લંઘન કરી ભૂમાફીયાઓ દ્વારા રેઇડ પાડયાના બીજા દિવસથી જ ફરી નદીમાંથી રેતીનું ખનન કરતા જણાઈ આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગે શીલ કરેલ મુદામાલનો ફરીથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રેતીના ખનન માટે ઉપયોગમાં લેવામાં આવતા ભૂમાફિયાઓને તંત્રનો પણ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આથી હવે ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે તો જોવું જ રહ્યું ?ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લો ગેરકાયદેસર ખનન કરતા માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અહીં કોલસો, પથ્થર, સફેદ માટી અને રેતી સહિતના ખનિજોની દરરોજ લાખો ટન ચોરી થાય છે. સ્થાનિક તંત્ર દ્વારા માત્ર એકલ-દોકલ દરોડા પાડીને કાર્યવાહી દર્શાવવામાં આવે છે.

