ધ્રાંગધ્રાના રાજસીતાપુરથી ભારદ તરફ જતો રસ્તો બિસ્માર બની જતા લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આથી જવાબદાર તંત્ર દ્વારા રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર હાઇવેથી અમદાવાદ હાઇવે વચ્ચે આવતા ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર, ભારદ, રાજ ચરાડી, મેથાણ, માનપુર ગામને જોડતો ગ્રામ્ય વિસ્તારનો ૨૮ કિમીનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની જતા આ તમામ ગામોના ગ્રામજનો સહિત વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તેમજ બિસ્માર રસ્તાના કારણે ટ્રાફિકજામ તેમજ અકસ્માતના બનાવો પણ બની રહ્યા છે. આ બિસ્માર રસ્તા અંગે આગેવાનો અને જાગૃત નાગરિકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ હાલ કમોસમી વરસાદને કારણે બિસ્માર રસ્તાના ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા બાઈક ચાલક સહિત રાહદારીઓ પટકાવવાના પણ બનાવો વધી રહ્યા છે. આથી કોઈ અકસ્માત કે જાનહાનિનો બનાવ બને તે પહેલા તંત્ર દ્વારા રસ્તાનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

