સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફ્રીજ સમાન ગણાતા પરંપરાગત માટીના માટલાઓનું ઉત્પાદન ફરી શરૃ થયું છે. ઉનાળાની સીઝનમાં વધતી માંગને પહોંચી વળવા માટે માટીકામ સાથે જોડાયેલા કારીગરો હાલથી જ કામગીરીમાં જોડાઈ ગયા છે. વઢવાણમાં બનાવાતા વિશેષ પ્રકારના માટલાઓ ઉનાળાના કડક ૪૫ ડિગ્રી તાપમાનમાં પણ કુદરતી રીતે ઠંડુ પાણી આપે છે, જેના કારણે તેની માંગ સતત વધી રહી છે.

કારીગરો ચાર પ્રકારના માટલાઓ, તાવડીઓ, ગલ્લા, કુંડા અને બાળકોના રમકડાં તૈયાર કરે છે. વઢવાણના માટલાઓ અમદાવાદ, બોટાદ, ભાવનગર, વિરમગામ, રાણપુર, ચુડા અને લીંબડી સહિતના વિસ્તારોમાં મોકલવામાં આવે છે. બજારમાં વેચાણ માટે મુકાતા વઢવાણી માટલાઓ ગ્રાહકોમાં ખાસ પસંદગી ધરાવે છે. પ્રતિ નંગ માટલાનો ભાવ રૃ.૬૦થી રૃ.૯૦ સુધી રાખવામાં આવે છે. ઉનાળામાં પરબો માટે મફત માટલાઓ પણ આપવામાં આવે છે.વઢવાણી માટલા કેવી રીતે બને છે?
પહેલા માટી કામથી તેને આકાર આપવામાં આવ્યા બાદ તેને વ્યવસ્થિત રીતે ઘડવામાં આવે ત્યારબાદ તેને પકવવામાં આવે છે. ૨૪ કલાક સુધી પકવવામાં આવ્યા બાદ તેનો ઉત્પાદન કરી અને બજારમાં મોકલવામાં આવે છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ હાલના તબક્કાથી જ માટીકામ સાથે જોડાયેલા કામદારો દ્વારા માટલાના ઉત્પાદન શરૃ કરી દેવામાં આવ્યા છે.
માટલાનું પાણી પીવાથી અનેક ફાયદાઓ
કુદરતી રીતે માટલાના પાણીથી અનેક આરોગ્યલાભ થાય છે. માટલાનું પાણી પીવાથી પેટની ગરમી, એસિડિટી અને ગળાની બળતરા ઘટે છે તેમજ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા ખનીજો શરીરને મળે છે. આ કારણે હાડકા, સ્નાયુ અને પાચનતંત્ર મજબૂત બને છે. તેમજ પાચન તંત્ર પણ આ માટીના માટલાનું પાણી પીવાના કારણે સુધરે છે.
પરંપરાગત માટીકામ જીવંત રાખવા ગણ્યા-ગાંઠિયા કારીગરો આજે પણ મહેનતમાં જોડાયા
માટી કામ સાથે જોડાયેલા ઉદ્યોગો દિન પ્રતિદિન ઘટતા જતા હોવા છતાં વઢવાણમાં આજે પણ અંદાજે ૩૦ જેટલા કારીગરો આ પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા છે. માટી કામ સાથે જોડાયેલા કારીગર યુસુફ રાધનપુરી જણાવે છે કે, ‘માટલાની માંગ દર વર્ષે વધતી જાય છે. ઉનાળામાં અછત ન સર્જાય તે માટે શિયાળાથી જ ઉત્પાદન શરૃ કરવું પડે છે. ‘પરંપરાગત કળા અને કુદરતી ઠંડકનું આ અનોખું સંયોજન આજે પણ વઢવાણને ઓળખ અપાવી રહ્યું છે.

