વડોદરાના હરણીકાંડની ઘટના બાદ રાજ્ય સરકારે ગુજરાતભરના જળવિસ્તારોમાં નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) લાગુ કર્યા વિના બોટ વિહાર પર પ્રતિબંધ મૂકતાં વિરમગામ નજીક આવેલું નળ સરોવર પક્ષી અભ્યારણ છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. પરિણામે, કાઈલા અને વેકરીયા ગામના આશરે ૩૦૦ બોટ ચાલક પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે.

નળ સરોવરની મુલાકાત લેવાનો મુખ્ય સમય નવેમ્બરથી જાન્યુઆરીનો હોય છે, જ્યારે વિદેશી પક્ષીઓ અહીં આશ્રય લે છે. આ મોસમમાં રાજ્યભરમાંથી પ્રવાસીઓ મોટો ખર્ચ કરીને પક્ષી નિરીક્ષણ માટે નૌકા વિહારની આશા સાથે આવે છે, પરંતુ ગેટ પર પહોંચ્યા પછી નૌકા વિહાર બંધ હોવાની જાણ થતાં સખત નિરાશા અનુભવી પાછા ફરવા મજબૂર બને છે.આશ્ચર્યની વાત એ છે કે, મુખ્ય પ્રવૃત્તિઓ બંધ હોવા છતાં અભ્યારણના સત્તાધીશો દ્વારા મસમોટી એન્ટ્રી ફી વસૂલવામાં આવે છે. સ્થાનિકોની માગ છે કે વન પર્યાવરણ મંત્રી આ સ્થળની મુલાકાત લે અને નવી એસઓપી તાત્કાલિક લાગુ કરીને નૌકા વિહાર શરૂ કરાવે, જેથી સ્થાનિક પરિવારોને રાહત મળે અને ગુજરાતનું આ પક્ષી તીર્થધામ ફરી ધમધમતું થાય.

