વઢવાણની સુડવેલ સોસાયટીમાં પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ૧૫૦ પરિવારોને હાલાકીનો સામનો કરવો પડયો છે. મનપાની ઓનલાઇન એપ્લિકેશનમાં ફરિયાદ છતાં દોઢ મહિનાથી સમસ્યાનો ઉકેલ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સુડવેલ સોસાયટીમાં છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીની લાઇન અનેક જગ્યાએ તૂટી જવાથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે અને આ પાણી રસ્તાઓ પર ભરાઈ રહે છે, જેનાથી ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. તંત્રના વાંકે રહિશોને રસ્તા પર ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડે છે.
રસ્તા પર પાણી ભરાયેલા રહેતા સોસાયટીમાં કાદવ-કિચડ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે રહિશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સેવાઇ રહી છે. સ્થાનિકોએ કોર્પોેરેશનની ઓનલાઈન એપ્લિકેશન દ્વારા આ સમસ્યા અંગે વારંવાર ફરિયાદ નોંધાવી હોવા છતાં, દોઢ મહિના વીતી જવા છતાં મહાનગરપાલિકા કે સંબંધિત તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. સોસાયટીના રહીશોએ તંત્ર પ્રત્યે રોષ વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું સમારકામ કરવાની માંગ કરી છે.

