બાવળા શહેરમાં જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં વિઠ્ઠલ આશ્રમ સામે સંજીવની હોસ્પિટલ પાસે મોટી માત્રામાં વપરાયેલા ઈન્જેક્શન, દવાની બોટલો અને ગોળીઓ બિનવારસી હાલતમાં મળી આવી છે.

ઘટનાની જાણ થતા ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ શંકાના આધારે આસપાસની સંજીવની હોસ્પિટલ, ક્રિષ્ના ક્લિનિક અને શિવસાગર હોસ્પિટલને નોટિસ આપી સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા તાકીદ કરી છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્રદૂષણ બોર્ડ માત્ર નોટિસો આપીને સંતોષ માની લે છે. વારંવાર વેસ્ટ મળી આવવા છતાં અસલી ગુનેગાર કોણ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. તંત્રની આ ઢીલી નીતિને કારણે હોસ્પિટલ સંચાલકો બેફામ બન્યા હોય તેવું જણાય છે. અગાઉ પણ અનેક રજૂઆતો છતાં આવી ઘટનાઓનું પુનરાવર્તન થતા રહેવાસીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે.

