સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનીજ સંપતિનું ખનન અને વહન થતું હોવાની ફરિયાદોને ધ્યાને લઈને થોડા દિવસો પહેલા વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામમાંથી કરોડો રૃપિયાની ખનીજ ચોરી ઝડપાઈ હતી. જે મામલે હવે એફએસએલ, ખાણ ખનીજ અને પોલીસ ટીમ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી છે.

જોરાવરનગર પોલીસ તેમજ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે ગત બુધવારના રોજ વઢવાણ તાલુકાના મોટા મઢાદ ગામમાં દરોડો પાડયો હતો. જેમાં સ્થળ પરથી બ્લેક ટ્રેપ ખનીજ સંપત્તિ, ૦૫ હિટાચી મશીન, ૦૧ ડમ્પર સહિત ફૂલ રૃ.૨.૬૦ કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. દરોડાના બે દિવસ બાદ એફએસએલ, ખાણ ખનીજ અને પોલીસની ટીમો દ્વારા મોટા મઢાદ ગામે જઈ અગાઉ કરેલા દરોડા અંગે વધુ તપાસ આરંભી છે. જેમાં ખોદકામ કરેલ જમીનની માપણીને આધારે વધુ વિગતો બહાર આવશે. કોના દ્વારા ગેરકાયદેસર ખનન થતુ હતુ તેમજ કેટલા સમયથી ખનીજ ચોરી કરવામાં આવતી હતી ? તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. જ્યારે ટીમો દ્વારા તપાસ બાદ જ ભૂમાફિયાઓના નામ સહિતની વિગતો બહાર આવશે અને ત્યારબાદ ગેરકાયદેસર ખનન બદલ દંડ ફટકારવાની તજવીજ હાથ ધરાશે. વઢવાણના મોટા મઢાદ ગામે અગાઉ કરેલી રેઇડ મામલે હવે એફએસએલ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

