લખતર ગામના પ્રજાવત્સલ રાજવીઓ દ્વારા નિમત ઐતિહાસિક મોતીસર અને કાદેસર તળાવ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બન્યું છે. તળાવના આરા અને ઘાટ પર સાફ-સફાઈના અભાવે કચરો અને ‘ડીલો’ નામનું જોખમી ઘાસ ઉગી નીકળ્યું છે. અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતા, ગામની જાગૃત મહિલાઓએ મુખ્ય બજારના ગાંધી ચોકમાં વિરોધ દર્શાવતા બોર્ડ લગાવી તંત્ર સામે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.

તળાવના ઘાટ પર ઉગી નીકળેલા ઘાસને કારણે કપડાં ધોવા આવતી મહિલાઓમાં ઝેરી જીવજંતુ કરડી જવાનો સતત ભય રહે છે. બીજી તરફ, ગામમાં નખાયેલી કરોડોની પાઈપલાઈનમાં લીકેજ હોવાથી ઘરે પાણી પહોંચતું નથી, જેના કારણે મહિલાઓને મજબૂરીમાં તળાવે આવવું પડે છે. સફાઈ ન થતા મહિલાઓની હાલત કફોડી બની છે.મહિલાઓએ તંત્રને અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો આગામી ૧૫ દિવસમાં નહાવા-ધોવાના ઘાટની સફાઈ કરવામાં નહીં આવે, તો મોટી સંખ્યામાં મહિલાઓ રેલી સ્વરૃપે તાલુકા પંચાયત કચેરીએ જઈ વિરોધ પ્રદર્શન કરશે. આ આક્રમક વલણને પગલે સ્થાનિક વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

