સાડાના અંબાળા ગામે આવેલા આશ્રમમાં પાટડી- સાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણા અંગે ચર્ચા વિચારણા કરીને વિવિધ નિયમો બનાવાયા છે. આગામી દિવસોમાં સામાજિક નિયમોનું આગામી દિવસોમાં બેઠક કરીને અમલ કરાશે.આ નિયમોનો ભંગ કરનાર વ્યકિતએ ૫૧ હજાર નજીકમાં ચાલતી શૈક્ષણિક સંસ્થામાં દાન આપવા પણ ઠરાવાયું છે. આ બેઠકમાં સમાજના વિવિધ રાજકીય પક્ષોના આાગેવાનો, યુવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

અંબાળા ગામે ઠાકોર સમાજની સામાજિક બંધારણા માટેની બેઠકમાં ડી.જે.ની જગ્યાએ સ્પીકર રાખી ગરબા રમવા, લગ્ન તેમજ લગ્ન પ્રસંગમાં જાનમાં ૧૦૦ લોકોને જવું, દિકરીના કરિયાવર અને મામેરા પણ અન્ય કોઈ વ્યવહારને બદલે રૂ.૧.૧૧ લાખ આપવા, ઓઢામણા પ્રજા બંધ કરવી,કોઈપણ અન્ય સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર કરવો, મરણ પ્રસંગમાં ભોજનમાં ખીચડી-કઢી રાખવી, મરણ પાછળ ઓઢમણા? બંધ કરી રોકડ રકમ આપવી, મરણની તમામ વિધિ પાંચ દિવસમાં પૂર્ણ કરી ટેલિફોનીક બેસણું રાખવું, છાપેલી કંકોત્રી બંધ કરી વોટ્સએપ કે ફોન દ્વારા આમંત્રણ આપવું, પ્રસંગોમાં કસુંબા, બીડી સિગારેટનું વ્યસન પર પ્રતિબંધ મૂકી માત્ર ચા પાણીની વ્યવસ્થા કરવી, સગાઈમાં મર્યાદિત લોકોએ જ જવું, વરપક્ષ દ્વારા કન્યાને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, જન્મદિવસની ભવ્ય ઉજવણી બંધ કરવી અને દીકરા-દીકરીના ૧૦૦% શિક્ષણ પર ભાર આપવા સહિતના મુદાઓ અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ તમામ મુદાઓ સાથે આગામી દિવસોમાં દસાડા તાલુકા સહિત આસપાસના ગામોમાં જઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે સુધારણા સાથે નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે.

